ગાંધી સરીખો બનવા માટે !!

(મિશ્રોપજાતિ)

ગાંધી સરીખો બનવા મહાત્મા

ઉરે ધરી આશ ઘણું કર્યું મેં :

ચોરી કરી મેંય લગીર સ્વર્ણની,

આસ્વાદ લીધો અજમાંસનોયે,

પીધાં ઘણાં મેંય સિગારઠૂંઠાં,

મૂંડો રખાવ્યો, પરિધાન પોતડી

–નુંયે કર્યું મેં કંઈ એક વર્ષ,

પત્રો લખ્યા રદ્દ થયેલ રૅપરે,

બાફેલ ખાધું, ઉપવાસ કીધા…..

બધું કર્યું મેં; ફળ સાંપડ્યું જે

લોકો કહે છે મુજને ‘મહા–તમા.’

ન. પ્ર. બુચ (‘કાગળનાં કેસૂડાં’માંથી સાદર–સાભાર.)

––––––––––––––––––––––––––––––––––––––––

‘મહાત્મા’ – બહુવ્રીહિ સમાસ : મહાન આત્મા જેમાં એવો.

‘મહા–તમા’ – બહુવ્રીહિ સમાસ : ખૂબ છે તમોગુણ જેમાં એવો.

44 total views, no views today

અરધે, અધુરે રસ્તે !!

દિવ્યા, મારા કુટુંબની મોટી પરંતુ ૫૦ વરસની જ આયુ વટાવેલી પુત્રવધુ, ઉત્તરાયણને દીવસે જ વીદાય લઈ ગઈ.

મુળ ગઢવાલા કુટુંબની સૌથી નાની, લાડકી ને ભણવામાં કૉલેજ ફર્સ્ટ–યુની.માં સાતમે નંબરે રહીને વિજ્ઞાનશાખામાં સ્નાતક થયેલી – અમારા મોટા પુત્રને હાથ–સાથ આપીને આવેલી.

મક્ક્મમના, સૌ સાથે સમાનભાવી, બાળકો પ્રત્યે જાગૃત અને વત્સલ એવી દિવ્યા એક વરસ પહેલાં દીકરીનાં લગ્નથી આનંદઉત્સાહે પરવારી હતી…..દીકરાને સાડા ત્રણ વરસ મેડીકલનાય પુરાં કરાવ્યાં………ગયા વરસના છેલ્લા દીવસો – ૨૭મી ડીસેમ્બરે – બરાબર ૫૦ વરસ પુરાં કરીને બરોબર અરધે મારગે હતી !

પણ કષ્ટસાધ્ય અને લાંબી એવી માંદગીએ એનો પરચો બતાવ્યો.

તા. ૧૪મી જાનેવારી – સુર્યના ઉત્તર અયને બપોરે એણે (પરમ શાંતીથી) આંખો મીંચી.

આજે ૨૫મી જાનેવારીએ એની બધી ધાર્મીક વીધીઓ સંપન્ન થતાં આટલી વીદાય અંજલી સાથે પ્રભુપ્રાર્થના !!

43 total views, no views today

‘તમારો લેખ વાંચ્યો !’

– કલ્પના દેસાઈ

(નોંધ : આ નવી વેબસાઇટ જુના નામે જ શરુ થઈ છે. અગાઉ જણાવ્યા મુજબ કેટલાંક સાહીત્યસ્વરુપો વાચકોને ગમશે જ એમ ધારીને લેખકોને તેમનાં લખાણો મારી આ સાઈટ પર પ્રકાશીત કરવા માટે આમંત્રણો મોકલી રહ્યો છું. આ પ્રકારનાં લખાણો નીયમીત પ્રગટ થતાં રહે તે રીતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આજે આ હળવી શૈલીનો નીબંધ કલ્પનાબહેનનો છે. વાચકો કોમેન્ટમાં એમને કહી શકશે કે બહેન ! તમારો લેખ વાંચ્યો છે !!)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

કોઈ પણ લેખક આ ત્રણ શબ્દો સાંભળીને જ ભર ઊંઘમાં હોય તોય માથું ઝાટકીને બેઠો/બેઠી થઈ જાય, બીમાર હોય તો વગર દવાએ સ્વસ્થ થઈ જાય, બેચેની કે કંટાળો ભૂલીને મોજમાં આવી જાય. તેમાંય ભૂલમાં જો લેખનાં વખાણ સાંભળ્યાં, તો પછી આખો દિવસ ભાન ભૂલીને પોતાની જાતમાં જ એ ખોવાઈ જાય. ‘આહાહા…! શું લખ્યું છે બાકી, વાહ ! મારાથી આટલું સરસ કેવી રીતે લખાઈ ગયું ?’ લેખકો માટે તો આ ત્રણ શબ્દો જાદુઈ શબ્દો છે. એમાં અજબ એવું સંમોહન છે. એમ કહો ને કે, આ શબ્દો તો એના માટે સંજીવની સમાન છે. 

ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલના જમાનામાં આજે કોઈ વાચક બને એ જ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તેમાંય કોઈ વાચકને કોઈ લેખ ગમી જાય અને તે ફોન કે પત્ર કે મેઈલ દ્વારા જણાવે કે, ‘તમારો લેખ ગમ્યો’ તો લેખકની શી હાલત થાય ? લેખનાં વખાણ જાણવા એના મનમાં ઉથલપાથલ થવા માંડે, એની બેચેની વધી જાય અને એ સંસારનું ભાન પણ ભૂલી જાય. એને તો બસ, ‘તમારો લેખ વાંચ્યો’ અને ‘તમારો લેખ ગમ્યો’ સિવાય કંઈ યાદ નથી રહેતું.

ઘણી વાર આ ત્રણ શબ્દોની પાછળ પાછળ ચાલી આવતો નાનકડો શબ્દ ‘પણ’, લેખકની ઊંઘ હરામ કરી નાંખે છે. લેખ વાંચ્યા પછી જ્યારે વાચક વધારે પડતો અકળાઈ ઊઠે અને એને પેટમાં ચુંથારો થવા માંડે ત્યારે આખરે એ લેખકને યેનકેન પ્રકારે જણાવીને જ રહે કે, ‘તમારો લેખ વાંચ્યો પ…ણ એમાં ફલાણી ફલાણી ભૂલ છે. (ખલાસ !) એમાં આમ નહીં, આમ આવે. તેમ નહીં, તેમ આવે. ફલાણા લેખકે તો આમ લખેલું ને ઢીંકણા લેખકે તો તેમ લખેલું. (તો એને વાંચો જાઓ.) હું તો કોઈની સાડાબારી ન રાખું. ભૂલ હોય તેને મોં પર ચોપડાવી જ દઉં.’ એટલે લેખક બાપડા કે બાપડીએ તાલીની સાથે ગાલીની પણ તૈયારી રાખવાની. ને એમાં કંઈ ખોટું પણ નથી. એકસરખા દિવસ તો નેતાઓના પણ નથી જતા તો લેખક કંઈ સ્વર્ગમાંથી તો નથી ઊતરી આવ્યા.

જોકે, તાલી–ગાલી આપવા સિવાય પણ અમુક વાચકો એવા હોય છે જેમને આ ત્રણ શબ્દો પછી ઘણી બધી વાતો જાણવી હોય છે(લેખકની) અને ઘણી બધી વાતો જણાવવી હોય છે પોતાની ! લેખકે લેખ લખવાની ભૂલ કરી હોય અને અદના વાચકે લેખકનો સંપર્ક નંબર કે સંપર્ક–સરનામું શોધી કાઢ્યું હોય, ત્યારે નાની નાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તંત્રીઓ તો બહુ સારી ભાવનાથી સંપર્કસૂત્રો છાપે પણ એમાં લેખકો ઘણી વાર વગર વાંકે બિચારાં બનીને રહી જાય. જો કોઈ બોલે કે, ‘તમારો લેખ વાંચ્યો’ તો પણ એને ધ્રુજારી ચાલુ થઈ જાય. જેવી જેની સહનશક્તિ.

હાલમાં જ એક મૅગેઝિનમાં મારો લેખ છપાયો. જેમાં મારા ગામના નામના ઇતિહાસની સાથે ગામનું વર્ણન પણ લખેલું. ગામ મહારાષ્ટ્રની બૉર્ડર પર હોવાથી, આજ સુધી બધી સુવિધાઓ નજીકના મહારાષ્ટ્રના મોટા ગામને લીધે મેળવી. હવે થોડા સમયથી આદિવાસીઓના ઉધ્ધારની યોજનાઓને કારણે અમારા ગામમાં સુવિધાઓ વધી છે એ મતલબનું લખાણ તેમાં હતું. એ વાત જાણીને ખુશ થયેલા વાચકનો પત્ર જુઓ.

‘તમારો લેખ વાંચ્યો. હાલની સરકારે ગુજરાતમાં કરેલા નોંધનીય ફેરફારોની, તમારા સિવાય આ રીતે કોઈએ નોંધ લીધી હોય એવું જાણમાં નથી. રાજકીય પરિવર્તનને તમે રાષ્ટ્રગીત સાથે જોડીને, તમારી કલ્પનાશક્તિનો અદ્ભુત નમૂનો બતાવ્યો છે.’ પત્ર વાંચીને હું તો બે ઘડી અવાક થઈ ગઈ. ભૂલમાંય રાજકારણ વિશે કંઈ બફાઈ ન જાય એની સતત કાળજી રાખતી હોવા છતાં મારાથી આ ઘોર પાપ શી રીતે થઈ ગયું ? હાસ્યલેખમાં રાજકારણ ? બાપ રે ! વાચકોની નજર ? કે’વું પડે ! ભઈ, લેખ કેવો લાગ્યો કે એમાં એકાદ મરકલું આવ્યું કે નહીં, તે જણાવતે તો તમારા પૂજ્ય પિતાશ્રી નારાજ થતે ? જવા દો, બીજા વાચકને મળીએ.

‘પૂજ્ય હાસ્યલેખિકાબેનનાં ચરણોમાં સાદર વંદન. (મરી ગ્યાં…. ! કોઈ બચાવો આવા ભક્તોથી. પૂજ્ય અને હું ? આ બે શબ્દો જો માથામાં ભરાઈ ગયા તો, હાસ્યલેખ–બાસ્યલેખ બાજુ પર રહી જશે ને ‘મા કલાનંદમયીનો આશ્રમ’ ખૂલી જશે.) તમારો લેખ વાંચ્યો. હું ઘણાં વરસો પહેલાં તમારા ગામમાંથી પસાર થયેલો તે વાત મને યાદ આવી. ત્યાંથી પછી અમે શિરડી અને નાશિક ગયેલાં અને પૂજ્ય સાંઈબાબાનાં દર્શન કરીને બીજે દિવસે પાછા સુરત રસ્તે નીકળી ગયેલાં.’ ‘તમારો લેખ વાંચ્યો’ સિવાય એક પાનું ભરીને સાંઈબાબાના ચમત્કારોનું વર્ણન ! ભઈ, મારા લેખના ચમત્કાર વિશે પણ બે–ચાર લીટી લખતે તો ? બાપા ખીજાતે ?

એ લેખમાં મેં છેલ્લે લખેલું કે, આટલાં વરસો થયાં પણ આજ સુધીમાં ગામને ફક્ત એક જ હાસ્યલેખિકાની ભેટ મળી છે. (વટ મારવામાં શું જાય ?)

હવે ત્રીજા વાચકની શુભ ભાવનાવાળો પત્ર. લેખકને/લેખિકાને જરા પણ તકલીફ ન પડે એટલે જવાબી પોસ્ટકાર્ડ પણ સરનામું કરીને સાથે હતું. પોસ્ટકાર્ડમાં એમણે પોતાના ફેસલુકનું વર્ણન કરેલું કે, ‘મારી ઉંમર હવે નેવુંની ઉપર પહોંચી છે ને મને કાને ઓછું સંભળાય છે.’ તે સિવાય બીજી ઘણી વાતો લંબાણથી લખેલી કે, ‘મને વાંચવાનો શોખ છે ને હું જે લેખકને પત્ર લખું તેનો તરત જ જવાબ આવી જ જાય. મારી પાસે ફલાણા–ફલાણા લેખકોના પત્રો છે’ વગેરે વગેરે. પોસ્ટકાર્ડમાં શક્ય તેટલું સમાવવાની કોશિશ કરી હતી. તમને રસ પડ્યો હોય તો વાંચો.

‘આ મૅગેઝિનમાં, આ નંબરના પાના ઉપર, આ મહિને તમારો લેખ છપાયો છે. (મને ખબર છે.) ખૂબ માહિતીપ્રદ લેખ વાંચી આનંદ થયો. અભિનંદન. (નીચે લખેલા સવાલોના જવાબ આપો.)

૧) ‘મૂળ તમે ક્યાંના ?’ (લેખકનું મૂળ ન પૂછાય પણ પૂછ્યું તો જણાવું કે, અમે તો મૂળ આ દુનિયાના જ.)

૨) ‘હાલ તમે શું કરો છો ?’ (લખવા સિવાય ? ઊંઘ્યા કરું.)

૩) ‘આમ તમારા મિસ્ટર શુ કરે ?’ ( આમતેમ ટાઇમ પાસ કર્યા કરે. અમારા ઘરમાં માખીની ગેરહાજરી મારા મિસ્ટરને આભારી છે.)

૪) ‘તમારા ગામની બાજુમાં સોનગઢ છે. ત્યાંની ફલાણી દુકાનના માલિક મારા ભત્રીજા છે. કોઈ વાર ત્યાં જાઓ તો ઓળખાણ કાઢજો. (ત્યાં જઈને મારો લેખ વંચાવવાનો ?)

૫) ‘વ્યારા તમારાથી કેટલું દૂર ? ને બારડોલી ? ત્યાંના ફલાણા પ્રોફેસર મારા મિત્ર છે. કોઈ વાર જાઓ તો મળજો. એ બહાને ઓળખાણ વધે.’ (અજબ છે ! એમના નામે હું મારી ઓળખાણ વધારું ? ને શું હું ભટકતી બલા છું ? આમ ને આમ તો મારે ઓળખાણ–યાત્રા કાઢવી પડશે. કોઈને મળીને શું કહેવાનું ? ‘તમે ફલાણા ભાઈને ઓળખો છો ? એ મારા લેખ વાંચે છે. તમે વાંચશો ?’) અરેરે ! લેખકોના આવા દા’ડા આવવાના ?

જોકે, પત્રના અંતે એમણે મૂળ મુદ્દાની વાત લખેલી. ‘તમારા ગામનાં પેલાં હાસ્યલેખિકાબહેનનું નામ–સરનામું આપશો. મને લેખકો સાથે ઓળખાણ વધારવામાં રસ છે.’ હવે તમે જ કહો, મારે જવાબી પત્રનું શું કરવું ? આખરે કોઈ પણ લેખક વાચકો પાસે શું માગે છે ? મૌન ? બે શબ્દ ? બે લીટી ? (થોડું વ્યાજબી કરજો.) ચાલો, એકાદ ફકરો થઈ જાય. (આ જરા વધારે પડતું જ કહેવાય.) તો પછી ?

લેખકોએ તો વાચકો તરફથી ‘તમારો લેખ વાંચ્યો’ જાણીને જ ખુશ રહેવું. આજે એટલું જણાવવાવાળા કેટલાં ? લેખ ગમ્યો હશે તો જ વાંચ્યો હશે ને ? તો જ એમણે જણાવ્યું ને ? એટલે જ, સાનમાં સમજીને ને થોડામાં ઘણું સમજીને, લેખકોએ વાચકો પર દયા રાખીને ખુશ રહેવું.

44 total views, no views today

રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–


રાજુલબહેનનો પરીચય મને બ્લૉગજગત પુરતો જ હતો. તેઓ આ દુનીયામાં આવતાં પહેલાં (એમનો બ્લૉગ શરુ થયો ૨૦૦૯/ ૬ જૂનથી. એ પહેલાં તેઓ દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગમાં લેખો આપતા હતા…) અનેક છાપાં–સામયિકોમાં કલમ ચલાવી ચુક્યાં છે તે વાતની જાણ તો હમણાં જ થઈ ! એમનાં લખાણો પ્રગટ થયાં છે તે સ્થાનોની યાદી જ ઘણી મોટી થવા જાય છે. જુઓ ને –

દિવ્યભાસ્કરમાં ‘માધુરિમા’માં કવર સ્ટોરી; ‘કળશ’માં માનુષી કૉલમમાં; શનિવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ કૉલમ; બુધવારે ફિલ્મ રિવ્યૂ; રવિવારે યાત્રાપ્રવાસ કૉલમ; ગુજરાતના હેરિટેજમાં અનેક ઐતીહાસીક સ્થળો વીષેનાં લખાણો; વીદેશપ્રવાસોના આધારે અમેરિકા–યુકેનાં કેટલાંય શહેરોની અવનવી માહીતી આપતા લેખો ઉપરાંત –

‘નવગુજરાત સમય’માં પણ વીદેશોમાં જોવાલાયક સ્થળોનાં જીવંત અહેવાલો અને કેટલાંક લખાણો તો વડોદરાના ‘ફીલિંગ મૅગેઝીન’માં પણ પ્રકાશિત થયાં.

એક શરૂઆત બીજી કડીને જોડે એમ “ક્રીયેટ સ્પેસ” પર પણ એમની બે નવલકથાઓ મુકાઈ છે. તથા ૨૫ વર્તાનોનો સંગ્રહ, હકારાત્મક અભિગમ અને ચિંતનકણિકા પ્રસિદ્ધ થવાની તૈયારી ચાલે છે…

અને –

૨૦૧૦માં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળતાં ત્યાં સ્થાયી થતાં જ કેનેડાથી પ્રકાશિત ‘ગુજરાત ન્યૂઝ લાઇન’ માટે ફિલ્મ રિવ્યૂ આપવાનું તેમણે શરુ કર્યું છે.

લખાણોની સાથે સાથે જ કેટલીક સામાજીક પ્રવૃત્તિઓમાં સક્રીય રહીને તેમણે ભાષા–સાહીત્યમાંનો પોતાનો રસ જીવંત રાખ્યો છે ! જેમ કે –

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની સાથે રહીને સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાયાં; કેલિફોર્નિયા બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ સાથે પણ જોડાઈને તેમણે બેઠક શબ્દોના સર્જન પર સળંગ ૫૧ લેખ આપ્યા અને તાજેતરમાં કવિતા શબ્દોની સરિતા પર લેખો શરૂ કર્યા છે….!

અને હા, ‘પત્રાવળી’ નામક પત્રશ્રેણીમાં તો તેઓ એક યજમાન પણ છે. 

તેમણે જે કાંઈ પ્રીન્ટમીડીયામાં લખ્યું તે તમામ એમણે પોતાના આ બ્લૉગ પર મુક્યા છે. એ સીવાયની પણ કેટલીય સામગ્રી તેમણે સીધી જ બ્લૉગ પર પ્રકાશીત કરી છે. જેમ કે –

વાર્તાઓ, નવલીકા, લઘુ નવલકથા અને સહીયારા સર્જન પર લખાયેલી વાર્તા અને પોઝીટીવ એપ્રોચ પરના લેખો, ઉપરાંત આદર્શ અમદાવાદની પત્રીકા માટે જે લેખ જતા એ પણ એમના બ્લોગ પર મુકાતા રહ્યા છે કે જે “સંવંર્ધન માતૃભાષાનું” ગ્રંથમાં ચીંતનકણીકાના નામે મુકાયા છે.

એમના બ્લૉગ “રાજુલનું મનોજગત” વીશે વાત કરીએ તો કહેવું જોઈએ કે બહારના જગતમાં જે કાંઈ તેમની કલમથી આળેખાતું રહ્યું છે તે બધું જ – તેમના તમામ લેખો જેમ કે યાત્રા પ્રવાસ, વાર્તા, લઘુ નવલકથા, નીબંધીકાઓ અને  એમને ખરેખર ગમી હોય – મનને સ્પર્શી હોય એવી ફીલ્મના રીવ્યુ વગેરે તેઓ હવે ફેસબુકના એમના પાના પર મુકે છે અને વર્તમાન સમયમાં પીરસાતી પત્રાવળી પણ ખરી જ – તો આમ, તેમનું બધું જ બ્લૉગ પર મુકીને નેટજગતને પણ લાભ આપ્યાં કર્યો છે.

તેમણે સ્વતંત્ર રીતે લખેલી અને હ્યુસ્ટનના વિજયભાઈ સાથે રહીને પણ લખેલી નવલકથાઓ –‘છિન્ન’, ‘એષા’, ખુલ્લી કિતાબ (સહ લેખક વિજય શાહ-હ્યુસ્ટન) અને ‘આન્યા મૃણાલ’ ( સહલેખક વિજય શાહ હ્યુસ્ટન) પણ તેમના બ્લૉગ પર મુકાઈ છે.

આ સીવાય ખાસ જાણવા જેવું તે તેમણે પોતાના આ બ્લૉગમાં યાત્રા-પ્રવાસ, ફીલ્મ રીવ્યુ, વાર્તાઓ, લઘુ નવલકથા, નીબંધ, સહીયારું સર્જન, હકારાત્મક અભીગમ વીષયક લખાણો, ચીંતનકણીકા, ‘પત્રાવળી’ જેવી દસ કેટેગરીઝમાં અલગ અલગ વીષયો આવરી લીધા છે. 

એમના બ્લૉગ ‘રાજુલનું મનોજગત‘ પર લગભગ ૩૫૦ જેટલા લેખો મુકાયા છે. અને ૧૦૬૯૭૩ મુલાકાતીઓએ મુલાકાતો લીધી છે. 

બ્લૉગજગત સાથે સંકળાવા પાછળના તેમના હેતુઓ સાવ સાદા લાગે પણ તેમાં રહેલી કેટલીક ભાવના વાચકોને પ્રેરે તેવી છે. એમને પૂછ્યું તો તેમણે ભાવપૂર્વક કેટલીક વાતો ટુંકાણમાં મુકી….જુઓ :

“બ્લોગ શરૂ કરવાનો હેતુ તો મારા મનની વાતોવિચારો વ્યક્ત કરવાનો હતો. ગુજરાતી ભાષાનું જ્યારે પ્રભુત્વ જ  ઓછું થતું જતું હોય ત્યારે ગુજરાતી લેખક અને વાચક સાથે પરોક્ષ રીતે સંકળાયેલા રહેવાનોય લોભ તો ખરો જ. આ જુવોને, આપણે પીરસેલી ‘પત્રાવળી’માં  આપણી સાથે કેટલા મહેમાનો જમ્યા ! હવે આ તમામને તો મળવાનો યોગ ક્યારે થશે એ તો ઈશ્વર જાણે પણ આ પત્રવ્યવહારના લીધે એક વાતવ્યહવાર તો ઊભો થયો જ ને ? એનોય મને આનંદ અને સંતોષ છે. અમદાવાદથી માંડીને અમેરિકા કે ઑસ્ટ્રેલિયા સુધી કોઈ આપણી લખેલી વાત વાંચે એ તો અખબાર કે  બ્લોગના લીધે જ શક્ય બને નેઅખબાર ક્યાં પહોંચે એ નિશ્ચિત નથી હોતું પણ ઈન્ટરનેટના લીધે બ્લોગ તો વિશ્વવ્યાપી છે એટલે એના લીધે બ્લોગર પણ વાચક સુધી પહોંચી જાય છે.

એ સીવાય પણ તેમને પોતાના આ ક્ષેત્રકાર્ય દરમીયાન જે અનુભવો થયા તે બહુ મજાના છે ! મને લાગે છે કે નેટસુવીધા શરુ થઈ અને તેમાંય તે ગુજરાતીમાં લખાવાનું શક્ય બન્યું પછી લેખકોનો મોટો ફાલ આપણને મળ્યો છે ! કેટલા બધા લેખકો !!

આમાંના દરેક લેખકને કોઈ ને કોઈ અનુભવ તો થયો જ હશે જે એમના માટે હૃસયસ્પર્શી બની રહ્યો હોય ! આ એક એવું સબળ અને સ–રસ પાસું છે જે નેટજગતના દરેક લેખકને સ્પર્શી જાય છે. રાજુલબહેન પણ એમાં અપવાદ શી રીતે હોય ? તેમના અનુભવો બહુ જ ધ્યાન ખેંચનારા છે. એમાંના કેટલાક અંગે આપણે જાણીએ –

૧) આ સમય દરમ્યાન વાચકોના પણ સરસ પ્રતિભાવો મળ્યા. આ તમામ લેખોમાં “મા  અને મમ્મીજી‘ – મધર ઈન લૉવિશેનો  લેખ સૌથી વધુ હ્રદયસ્પર્શી રહ્યો એવું મને વાચકોના પ્રતિભાવ પરથી સમજાયું હતું કારણકે આ લેખમાં સાસુને મેં મા તરીકે સ્થાન આપ્યું હતું. મા સાથે તો જન્મ પહેલાથી સંબંધ બંધાય જે લોહીનો હોય પણ સાસુમા જેમની સાથે લાગણીનો સંબંધ હોય એ સંબંધને મેં સન્માન્યો હતો.

એ સંબંધ માત્ર કહેવા કે લખવા પૂરતો નહોતો, એ સંબંધ તો હું સાચે જ જીવી હતી.

(આ લેખોના અત્યંત રસપ્રદ પ્રતીભાવો હું વાંચી ગયો છું. મને લાગે છે કે આ પ્રતીભાવો વાચકોએ વાંચી જવા જોઈએ. અહીં સ્થળસંકોચવશ તે શક્ય ન હોઈ સૌને એમના બ્લૉગ પર જઈને તેનો આસ્વાદ લેવો રહ્યો. – જુ.)

૨) સૌથી પહેલો લેખ દિવ્યભાસ્કરની પૂર્તિ કળશમાં માનુની વિભાગમાં લીઝા શાહ નામના ડાયેટ કન્સલન્ટટ પર મૂક્યો જે મારા બ્લોગ પર પણ મૂક્યો ત્યારે આખા દિવસ દરમ્યાન અમદાવાદ જ નહીં ગુજરાતભરમાંથી પણ સતત ફોન આવ્યા.

૩) માધુરિમામાં સત્ય ઘટનાને આધારિત બાપરની વાર્તા વાંચીને લગભગ ૩૦ વર્ષ પહેલાંના અમારા પાડોશીએ દિવ્યભાસ્કરમાં મારો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો, કારણકે રાજુ તરીકે ઓળખાતી છોકરીના નામની સાથે લાગેલી પહેલાંની અટક નાણાવટીમાંથી બદલાઈ ગઈ હતી પણ એ વાર્તા વાંચીને એમને ખાતરી થઈ ગઈ કે આ રાજુલ એ રાજુલ નાણવટી જ હોઈ શકે.…!

૪) યાત્રાપ્રવાસના લેખો તથા બેઠકમાં શબ્દોના સર્જન પર મુકેલા હકારાત્મક અભિગમના લેખને કારણે ઘણાએ એવો પ્રસ્તાવ પણ મુક્યો છે કે આ તમામ લેખોનું અંગ્રેજીમાં ભાષાંતર થવું જોઇએ જેના લીધે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો કે યુવાનોને પણ વાંચવા સમજવાની સરળતા રહે. (આ તમામ લેખો ઈવિદ્યાલય પર દર શનિવારે પ્રગટ થાય છે.)  

તેમના બ્લૉગ પર જમણી બાજુના સાઇડબાર પર કેટેગરી વીભાગની સમૃદ્ધી જોઈ શકાય છે. પરંતુ એ યાદી કેટેગરી કરતાં વીશેષ તો અનુક્રમણીકા જેવી વધુ લાગે છે. બધાં લખાણોને જુદા જુદા વીભાગો પાડીને વહેંચી દેવા જોઈએ તેને બદલે અહીં ક્યારેક તો કોઈ એક લેખને પણ કેટેગરીરુપે મુકી દવાયો જણાય છે !

રાજુલબહેન કૌશિકને અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ !!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

નોંધ : પ્રસ્તુત લેખ (બ્લૉગ અને બ્લૉગરપરીચય) એક ઉ અને એક ઈમાં લખાયો છે પરંતુ બ્લૉગરના પોતાના લખાણને સાર્થ જોડણીકોશ મુજબ જ – જરુર પડી ત્યાં સુધારીને – પ્રગટ કર્યો છે.

65 total views, no views today

માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી

શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રી અને તેમનો બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”

હાઈસ્કૂલનાં વર્ષોથી જ એમણે કાલ્પનિક વાતો લખવાનું શરૂ કરી દીધેલું ! દશમાં ધોરણમાં હતા ત્યારે જ એમની પહેલી વાર્તા “પાગલની પ્રેયસીઓ” ‘નવવિધાન’માં છપાઈ ! પછી તો ૧૯૫૯ સુધીમાં એમની વાર્તાઓ ફિલ્મ મેગેઝિન ‘છબી’માં અને કેટલાંક સામયિકોમાં છપાતી રહી. પણ આ લેખન, નાટકો જોવાનું ને અનેક સામાજિક પ્રવૃત્તિના ધખારામાં અને ઉપરાંત પાછું છોકરાં ભણાવતાં ભણાવતાં ભણવાનું થતું રહ્યું…..

એનો ફાયદો તો કોને ખબર, પણ એમના અભ્યાસને જબરી નુકસાની ગઈ ! ઇન્ટર સાયન્સમાં જ વર્ષ બગડ્યું….પણ એ જ વસ્તુએ વાંચવા-લખવાના કામને તિલાંજલિ આપી દીધી ! પછી તો પ્રવીણભાઈ અમેરિકા ગયા, ૧૯૬૮માં. ૪૧ વર્ષ પછી ૨૦૦૯માં ૭૦ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થયા.

તેઓએ કહ્યા મુજબ “અમેરિકામાં કોઈ મને જાણે નહિ, હું કોઈ સંપાદક કે કે તેમના પ્રકાશનને જાણું નહીં. ૧૯૫૯થી ૨૦૦૯ સુધીના નામાંકિત સર્જકો અને તેમના સુપ્રસિદ્ધ સર્જનોથી હું તદ્દન અજાણ. હવે થોડાં નામો જાણતો થયો છું.

હરનિશ મારો કૉલેજ મિત્ર. એની મારફત ઉત્તમભાઈની ઓળખાણ થઈ. એમણે બ્લોગમાં મારી વાર્તાઓ પોસ્ટ કરવા કહ્યું. “બ્લૉગ” કઈ બલા છે તે ખબર નહિ. પણ પીડીએફની ફાઈલ ખોલીને કોઈના બ્લૉગની વાર્તા વાંચતા પણ આવડે નહિ ! ગ્રાન્ડ ડૉટરને મસ્કા મારીને જેમતેમ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ” નો બ્લૉગ ૨૦૧૨ “એપ્રિલ ફૂલ”ને દિવસે શરૂ કર્યો….ને પહેલી જ કોમેન્ટ સુરેશ જાનીની આવી, “સાલો એપ્રિલ ફૂલ બનાવી ગયો.”

એક માત્ર ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી સાહેબે કોમેન્ટ કરી. મને સમજાવ્યું કે એબાઉટનું પેઈજ ઉમેરો. તમારો પરિચય આપો. મિત્રોને ઈ મેઇલ દ્વારા બ્લૉગ અને નવી વાર્તાની માહિતી આપતા રહો. દરેક વખતે મારે કૉલેજમાં ભણતી મારી પૌત્રીની મદદ લેવી પડતી. એને ગુજરાતી વાંચતા લખતાં આવડે નહિ. ખૂબ માથાકૂટ થાય ને બિચારી કંટાળે !”

૨૦૧૨થી શરૂ થયેલા તેમના બ્લૉગ પર ૪૧ લખાણો મુકાયાં હતાં જે ૨૦૧૭માં ૧૫૬ને આંકડે પહોંચેલાં. પણ ૨૦૧૮નો વરસનો ફાલ એકંદરે સારો રહ્યો – ઓક્ટો મહિના સુધીમાં ૧૯૩ લખાણો મુકાયાં છે.

એમના મુલાકાતીઓ, એમની વિઝિટસ કે પછી એ સૌની કૉમેન્ટો–લાઇકો વગેરે બાબતે પ્રવીણભાઈનું મંતવ્ય ધ્યાન ખેંચનારું છે ! કહે છે કે વર્ડપ્રેસના આંકડાથી પોરસાઈ જવા જેવું નથી. કૉમેન્ટ કે લાઇક એ છેતરામણી વસ્તુ છે ! વરસના ૩૬૫ વિઝિટર બતાવે તેનો અર્થ દરરોજનો એક નો એક વિઝિટર પણ હોઈ શકે છે !! લાઇકનું બટન દબાય તેથી માની લેવાય નહીં કે તેઓએ લખાણ વાંચ્યું જ છે !

તોય આપણે તો એટલું જાણી શકીએ છીએ કે એમના આ બ્લૉગ પર ૨૦૧૨થી આજ સુધીમાં ૧૦૭૮ લખાણો મુકાયાં છે; ૧,૫૨, ૬૩૧ વ્યૂઝ મળ્યાં છે ને ૬૧, ૫૦૦ જેટલા વિઝિટરો એમને આંગણે આવી ગયાં છે.

એમના બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”ના મેનૂ – પેઇઝિસ પર જે શીર્ષકો છે તેમાં

  • ABOUT
  • વહેતી વાર્તા ”શ્વેતા”
  • રિવર્સલ (ચોરો)
  • INDEX-અનુક્રમ એ ચાર પાનાં છે.
  • ABOUTમાં એમણે પોતાની વાત બહુ જ વિગતે કરી છે. એમની નિખાલસતા એમાં જોવા મળે છે. એને આધારે જ કહી શકાય છે એમનું સર્જનકાર્ય પ્રયત્નથી થયું નથી, બલકે સર્જનસંસ્કાર એમનામાં પહેલેથી જ છે. નાની ઉંમરે છપાયેલી ત્રીજી જ વાર્તા એમને એ જમાનાના રૂ. ૧૫નો પુરસ્કાર અપાવે છે. એમણે કબૂલ્યું છે કે સાહિત્ય કે સાહિત્યકારોનો એમને નહિવત્ પરિચય હતો. છતાં તેઓએ લખ્યું… નહીં, સર્જ્યું છે ! એમની જ એક વાર્તા વાર્તામાંથી નવલકથા બની જાય છે ! વાસ્તવચિત્રો એમના શબ્દોથી આબેહૂબ પ્રગટ થઈ જાય છે. નજર સમક્ષ હોય તેમ એમનાં પાત્રોને આપણે જાણે કે ‘જોઈ’ શકીએ છીએ !

એમના મેનૂ ઉપર શ્વેતા વાર્તા છે, તો ‘રિવર્સલ’ શીર્ષકથી લખાતી એક નિયમિત મળતા રહેતા જૂથની કાલ્પનિક છતાં રોજબરોજની વાસ્તવિક વાતો છે. આ એક જાતનો ચર્ચાચોરો છે જયાં રોજિંદા જીવનને જોઈ શકાય છે. ચોથું પાનું INDEX પર તો એમનાં લખાણોની આખી યાદી છે. એમના વાચકો માટે તૈયાર ભાણું…..

એમનાં લખાણોની કૅટેગરીઝમાં એમણે વ્યક્તિગત લેખકોને જુદી કૅટેગરીથી મૂક્યા છે ! પરિણામે એમની કેટલીક કૅટેગરી ઝટ નજરે ચડતી નથી. જુઓ આ યાદી –

એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

નવીન બેન્કરની વાતો”

Gujarati Novel

Gujarati Stories

Music Video

SELECTED FROM FACEBOOK

Uncategorized

शास्त्रीय संगीत और मनभावन फिल्मी गीत.

કાવ્યગુંજન

કૌશિક ચિંતન

ચન્દુ ચાવાલા

પટેલ બાપાનું રિવર્સલ

ભરત મહેતા અને ફિલોસોફી

શ્રી શરદ શાહની વિચારધારા

શ્વેતા-નવલકથા

હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી

હકીકતે અન્ય લેખકોના બ્લૉગ કે સાઇટોને એક જ શીર્ષક નીચે દરેકનું નામ વંચાય તે રીતે મૂકીને પોતાની કૅટેગરીઝને અલગ પાડી શકાઈ હોત.

હવે કેટલાક સમયથી તેઓ ફેસબુકે જોવા મળે છે. ત્યાં તો તેમનું અલગ જ સામ્રાજ્ય જામ્યું છે ને તે એક અલગ જ વિષય છે એમની ઓળખ માટેનો. સવારે જાગતાંમાં ને રાતે સૂવા જતાં પહેલાં તેઓ તેમના વાચકોને ચૂંટલી ખણતાં રહીને અનેક વિષયો પર ખેંચી જાય છે. પણ અહીં આપણી વાતથી એ જુદો જ વિષય હોઈ તેનો લાભ નહીં લઈ શકાય.

આ બ્લૉગ વિષે પણ હજી ઘણી મજાની વાતો કરી શકાય તેમ છે પરંતુ મારી આ લેખણ થોડી ટૂંકી પડતી માનું છું. હું કોઈ વિશ્લેષક કે વિવેચક નથી. કેવળ ભાવકરૂપે આ દર્શન કરાવ્યું છે. છતાં આ લખાણને પકડીને એમના બ્લૉગની સફર અવશ્ય કરવી જોઈએ.

એમનાં લખાણોને અને પ્રવીણભાઈ ખુદને પણ મારી શુભેચ્છાઓ હું એમના અને મારા વાચકો વતી આપું છું.

600 total views, 1 views today

આપણાબ્લૉગર “વિનોદવિહારી”

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”

– જુગલકિશોર

‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.

હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !

વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :

‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social mediaનું પણ કામ કરશે. એના માધ્યમથી ઘણા નવા સાહિત્યપ્રેમી મિત્રોનો પરિચય પણ થશે. સદવિચારોની કદર બુઝી જાણનાર મિત્રો અને સ્નેહીજ્નોનું બ્લૉગ એક મિલનસ્થાન બનશે. મારી ૭૫ વર્ષની ભાતીગળ અને સંઘર્ષમય જીવનયાત્રા દરમિયાન મનમાં જમા પડેલા અનુભવો અને વિચારોનું ભાથું આ બ્લૉગના માધ્યમથી બહાર લાવવાની આ તક છે. તેને વધાવતાં ખૂબ સંતોષની લાગણી થાય છે. શારીરિક શક્તિ જોકે  પૂરેપૂરો સહકાર ભલે ન આપતી હોય પણ મારી યાદદાસ્તબુદ્ધિ અને વિચારશક્તિ પ્રભુકૃપાએ હજુ પહેલાં જેવી જ સાબુત છે. જ્યાં સુધી એ ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરીને આપ સૌના સહકારથી ગુજરાતી ભાષામાં અને કોઈ વાર અંગ્રેજી ભાષામાં પણ મારી સાહિત્યિક અને આધ્યત્મિક અભિવ્યક્તિ દ્વારા સુજ્ઞ વાચકોને વિનોદ વિહાર કરવાની આ તક ઝડપતાં ખૂબ આનંદ અનુભવું છું. બ્લૉગની આ પ્રવૃત્તિ મારી એકલતા ઓછી કરવાનું માટેનું ઓસડ પણ બનશે.’’

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા’ બ્લૉગશીર્ષક સાથે ટૅગરૂપે રહેલું આ સૂત્ર સંક્ષેપમાં જ સઘળું જણાવી દે છે.

વિનોદ’ના આ વિહારને આજકાલ કરતાં સાત વરસ ને બે મહિના થયા છે. આટલા ગાળામાં તેમના બ્લૉગ પર વિહારાર્થે આવનારા વાચકો નહીં નહીં તોય સવાસોથી વધુ દેશોમાં વસે છે ! પણ મુખ્યત્વે જે દેશોમાં તેમના વાચકો છે તે 415123 ભારતમાં, 144587 અમેરિકામાં, 6109 યુકેમાં, 7189 કેનેડામાં, 1129 ઓસ્ટ્રેલિયામાં, 1058સિંગાપોરમાં, 1058 આરબદેશોમાં, 667 પાકિસ્તાનમાં અને 506 હોંગકોંગ– SARચાઇનામાં વસે છે.

વિનોદભાઈના આ બ્લૉગ પર ગયા મહિના સુધીમાં જે લખાણો મૂકાયાં તેની સંખ્યા કુલ સાડા બારસો આપણું ધ્યાન ખેંચે છે. ૧૨૫૦ જેટલાં લખાણોમાંના અરધોઅરધ લખાણો એમનાં પોતાનાં છે. પણ વધુ ધ્યાન ખેંચનારી બાબત તો તેમના વાચકો દ્વારા તેમને મળતો પ્રતિસાદ છે. એક જ વર્ષમાં તેમના મુલાકાતીઓની સંખ્યા હતી 202552 ! જ્યારે આટલા સમયગાળાના કુલ મુલાકાતીઓ 625,865થી પણ વધુ હતા !!  સવાસોથી વધુ બ્લૉગરોની સાથે તેમના કુલ ફોલોઅર્સ ૩૫૦ છે ! એમને મળેલા લેખિત પ્રતિભાવો (કોમેન્ટિકાઓ) ૫૮૪૨ને ધ્યાનમાં લેતાં કહી શકાય કે દરેક લખાણને આશરે પાંચેક વાચકો પ્રોત્સાહક જવાબ લખીને આપે છે ! કોમેન્ટ માટેની આજકાલ જે ઝંખના જોવા મળે છે તે જોતાં, દુષ્કાળના સમયમાં આ તો બહુ મોટી વાત ગણાય. (જોકે આ વાત બ્લૉગજગતની છે. ફેસબુક જેવા માધ્યમોમાં વરસતા વરસાદની સામે બ્લૉગોનાં ખેતરો તો કોરાં જ ગણાય ને !) ખાસ કરીને બ્લૉગજગતમાંનાં લખાણો વાચનચિંતનપરસ્ત હોય છે જ્યારે સામાજિક માધ્યમો  ચર્ચાપરસ્ત ગણી શકાય. અહીં એક કોમેન્ટની પાછળ ઘણી વાર ભળતી જ ચર્ચાઓ જોડાઈ જઈને વાતનું ક્યારેક વતેસર કરી મૂકતી હોય છે. બ્લૉગરને માટે આ વાત પોસાય નહીં.

વિનોદભાઈએ પોતાની લેખિની પ્રતિલિપિ જેવા નેટસામયિક સુધી લંબાવી છે. ત્યાં એમની કુલ ૧૧૬ જેટલી રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. ત્યાં એમના વાચકોની સંખ્યા 86182 અને ફોલોઅરની સંખ્યા 691 છે.

એમના બ્લૉગ પરની કેટલીક વિભાગીય વિગતો જોઈએ તો તેમના બ્લૉગ પર જેને આપણ પેજીસ કહીએ છીએ તે મૅનૂનાં નામ આ પ્રમાણે છે, જે બ્લૉગવિઝિટરને હોમપેજ ઉપર તરત જ દેખાશે :

અનુક્રમણિકા

કેટલાક બ્લૉગ્સ/સાઈટ્સઃ

પ્રતિલિપિ પર મારી રચનાઓ

મનપસંદ વિભાગો

મારા વિશે

મારી ઈ-બુકો (ડાઉન લોડ)

મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

એમનાં લખાણોના કુલ વિભાગો (કૅટેગરીઝ) તો ગણવા અઘરા પડે તેટલા છે. એમણે વ્યક્તિ પરિચયોમાં દરેક વ્યક્તિને એક કૅટેગરી આપી છે….આ વિભાગને વર્ગોમાં વહેંચી દેવાથી આ યાદી વધુ સરળ અને વ્યવસ્થિત બની રહે…

કેલેન્ડર વિભાગમાં ડોકિયું કરીશું તો જોવા મળે છે કે સપ્ટેમ્બર, ૨૦૧૧થી શરૂ કરીને નવેમ્બર, ૨૦૧૮ સુધીનાં ખાતાં ખૂલી શકે છે ! અહીં પણ દરેક મહિનાનાં લખાણોની સંખ્યા બતાવી હોત તો ઓર મજો આવેત !  

જમણી બાજુના ફલક (રાઇટબાર) પર તેમના જનની–જનકનો ફોટો ધ્યાન ખેંચે છે. નીચે તરત જ તેમનાં પત્ની કુસુમબહેનને અંજલિરૂપ તૈયાર કરાયેલી ઇબુક બતાવીને “કુસુમાંજલિ” શીર્ષક સાર્થક કર્યું છે. તો એમને બહુ ગમતા કેટલાંક બ્લૉગ–સાઇટોની ચિત્રલિંક મૂકીને તેમણે મૈત્રીભાવ પ્રગટ કર્યો છે.

અંતમાં, એમને પૂછતાં એમણે મોકલેલું કેટલુંક ચિંતન એમના જ શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરીશ…..નહીં, પૂરી નહીં પણ અટકાવીશ, કારણ કે હજી એક વધુ બ્લૉગરમિત્રના બ્લૉગની વિગતો આપવાની બાકી છે !

વિનોદભાઈનો બ્લૉગઅનુભવ

આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે બ્લોગ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાયઅર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણાખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે.

આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ થી વધુ એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.

ચોમાસામાં એકાએક બહાર નીકળતા અળસિયાની જેમ ગુજરાતી બ્લોગની સંખ્યામાં વધારો તો થયો છે પરંતુ સંખ્યાની સાથે એ બ્લોગોમાં ભાષાની ગુણવત્તા  સચવાઈ કે જળવાઈ છે કે કેમ એ એક મોટો સવાલ છે.માતૃભાષાની શુદ્ધિનો આગ્રહ ભૂલાતો જાય છે.કવિતામાં છંદ જ્ઞાન અગત્યની જરૂરીઆત હોવી  જોઈએ પણ હાલ અછાંદસને નામે જોડકણાં જેવાં કાવ્યોની બોલબાલા થઇ રહેલી જણાય છે.

ફેસબુકનું માધ્યમ  આજે વિચારોની અભિવ્યક્તિ માટે અગત્યનું સાધન બની ગયું છે.આને લીધે બ્લોગોમાં સારું સાહિત્ય વાંચનારની સંખ્યા ઘટતી જાય છે .એને બદલે બહુ વિચાર કરવો ના પડે એવું સરળ અને સસ્તું સાહિત્ય હવે લોકોને ગમવા માંડ્યું છે.

આમ છતાં ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે.

ગુજરાતી ભાષાની ચીંતા કરતા આવા કેટલાક  બ્લોગર મિત્રો એમની રીતે શુદ્ધ સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.

––––––––––––––––––––––––––––––––––––

(હવે પછી જાણીતા વાર્તાકાર પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લૉગની વાતો – વહેલીતકે મૂકી શકું એવી આશા સાથે !!)

39 total views, no views today