વાંચવું, વીચારવું અને ‘લખવું એટલે…’

આજના તા. ૧૮/૮ના દિવ્યભાસ્કરમાં શ્રી રઘુવીરભાઈની કૉલમ ‘સાહિત્ય વિશેષ’માં આપણા સૌ માટે પ્રેરણાના સ્રોત જેવો લેખ મુકાયો છે.

ભાવનગરની મ.કૃ.યુનિવર્સિટીના અનુસ્નાતક વીભાગના વડા શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા વીદ્યાર્થીઓને ‘વિદ્યાર્થીની કલમનો સહિયારો આનંદ પ્રતિબિંબ’ એ શીર્ષકથી “લખવું એટલે–” એવા વીચારથી “પ્રતિબિંબ”નામક સંગ્રહ પ્રગટ કર્યો છે. એનું સરસ સંપાદન પણ વીદ્યાર્થીઓએ જ કર્યું છે જેમાં વીસ જેટલાં સંસ્મરણો નોંધાયાં છે.

એમણે વીદ્યાર્થીઓને કહેલું કે સીમમાં ઢોર ચરાવવાનો અનુભવ કેટલાને છે – લાવો એ બધું લખીને આપો ! પરીણામે જે લખાણો થયાં એમાં ગ્રામ્યજીવનની મહેક, તાજાં ચીત્રો, હથેળીમાં અનુભવી શકાય તેવા સ્પર્શ અને સીમ–ગામની સદભાગ્ય હોય તો જ માણવા મળે તેવી ફોરમ ઉપરાંત સ્વાદેન્દ્રીયનું પણ સુખ વાચકોને મળી રહે તેવી સામગ્રી પીરસાઈ છે.

લખવાનું કહેવામાત્રથી લેખીની સફળ થઈ જતી નથી. લખવાનો આદેશ કોઈ શીક્ષક દ્વારા થાય પછી લખનારાની કલમને વહેતી કરવાનું ને એને સંમાર્જીત પણ કરવાનું કાર્ય એટલું જ મહત્ત્વનું હોય છે તે વાત આ સંગ્રહ “પ્રતિબિંબ”માં સમજાય છે.

નેટ ઉપર હજી થોડા સમય પહેલાં જ મારી ‘માતૃભાષા’ સાઇટ પર “વાચકો, લેખક બનો !” એવો અનુરોધ મેં કરેલો. (જોકે મારી એ માટેની લાયકાત નહીં હોવાનું જાણી ગયેલા મીત્રોમાંના કોઈએ પણ લખાણ નહીં મોકલીને મને સારું સુચન કરી દીધું તે માટે સાભાર સંતોષ વ્યક્ત કરું…..)

નેટજગતમાં સહીયારા અને છુટક લખાણો કરી–કરાવીને તેને પ્રકાશીત કરવાના ખુબ સારા હેતુસરના પ્રયત્નો થતા રહે છે. એના પરીણામસ્વરુપ ઢગલાબંધ સાહીત્ય પ્રગટ પણ થઈ રહ્યું છે. કેટલીક સંસ્થાઓ પણ ‘પ્રોત્સાહન’ આપીને લેખકો પાસે લખાવડાવીને સાઈટોની ભૌતીક સમૃદ્ધીનો દેખાવ અને પ્રભાવ ઉભો કરી શકે છે ને એના ઘણા લાભો પણ હોય –

પરંતુ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા આપણે સૌ ભાષા અને સાહીત્યના નીયમો અને પ્રણાલીઓને જાળવવામાંથી છુટી તો નથી પડતા ને ? તેવો જાતને પુછવા જેવો સવાલ પણ કરતાં રહેવાની જરુર આજના ઉપરોક્ત કૉલમલેખ દ્વારા પ્રતીત થયા વગર રહેતી નથી.

વર્ષો પહેલાં મારા લોકભારતીના અધ્યાપક, સંતજન બુચભાઈએ મારા અભ્યાસકાળ પછીનાં વર્ષોમાં “લખો, લખતા રહો, તમારી પાસે છંદની પકડ છે– એને ચાલુ રાખો…”વગેરે શબ્દોથી ટપારવાનું ચાલુ રાખેલું. પછી જ્યારે મેં મારાં કેટલાંક લઘુ લખાણો સાઈક્લોસ્ટાઇલ કરેલાં મોકલ્યાં ત્યારે એમણે લખેલું કે તમે લખતા નથી એવી ફરીયાદ સાનંદ પાછી ખેંચી લઉં છું….તમે ગદ્યમાં પણ કાવ્યો જ જાણે લખ્યાં છે એટલે હવે સંતોષ લઉં છું.

ગુરુજનો ક્યારેક જ આવી કૃપા કરતા હોય છે જેમાં આપણામાં પડેલી સુષુપ્ત લેખનશક્તી ધરતીનું પડ વીંધીને અંકુર ફુટે તેમ પ્રગટી રહે છે.

દિવ્યભાસ્કરમાંનો શ્રી રઘુવીરભાઈનો કૉલમલેખ આપણને દીશા બતાવે છે…સમજાય છે કે શ્રી મહેન્દ્રસિંહ જેવું આંગળી ચીંધામણ જેમ જરુરી છે તેમ નવું સર્જનબળ પ્રગટાવવાની તત્પરતા પણ જરુરી છે…..આપણા વ્યવસાયને જમાવવા માટે કે પ્રસીદ્ધી માટે લોભામણું આંગળીચીંધામણ કદાચ સર્જનબળ ઉભું કરી શકશે પણ આંગળી પકડીને નવાસર્જકોને સામે કાંઠે લઈ જવા જેટલી તત્પરતા પણ હોવી જોઈએ…નહીં તો પછી ઢગલાબંધ ઈ–બુકો તો બનશે પણ ભાષા અને સાહીત્યનાં ધોરણો ક્યાં જઈને ગબડતાં–બગડતાં અટકશે તે નક્કી નહીં !!

– જુગલકીશોર. તા. ૧૮/૮

62 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *