સંકોડાઈ રહેતો શબ્દ

શબ્દના માધ્યમથી સ્વપ્નલીલા આલેખી શકાય છે; પણ સામે છેડે સ્વપ્નમાં પ્રગટતા શબ્દોનું રેકોર્ડીંગ એટલે કે એની સાચવણ એટલી સહેલી નથી.

શબ્દ અને સ્વપ્ન – હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે.

સ્વપ્નની દુનિયા અ–લૌકીક કહી શકાય તેવી હોય છે તેની ના નહીં પણ શબ્દોય કાંઈ ઓછી માયા નથી ! એનું રહસ્ય તો અગાધ ઉંડાણભર્યું હોય છે. મારા એક શેરમાં સુઝી આવેલું કે :

“શબ્દ છે, એને ન ઓછો આંકવો, બુંદમાં દરીયો ઉછળતો હોય છે !”

સીદ્ધ સર્જક જે શબ્દ આપે છે તે પછી શબ્દ નથી રહેતો, મંત્ર બની જાય છે. અને મંત્રસીદ્ધી જીવનસીદ્ધી સુધી લઈ જાય છે.

સ્વપ્નો પણ શબ્દના અર્થની જેમ બાહ્યાભ્યંતર હોય છે ! શબ્દનો સ્થુળ અર્થ (અભીધા) એની અનેક અર્થચ્છાયાઓ વડે વ્યંજીત થતો રહે છે. તો સ્વપ્ન બાહ્યજીવનનો પડઘો પાડે છે…..એ જ રીતે ભીતરી સ્વપ્ન, ઉંઘમાં આવતું સ્વપ્ન બાહ્યજીવનનને માર્ગદર્શન આપે છે.

આ તો નારીકેલપાક છે ! શું શબ્દ કે શું સ્વપ્ન; એને ખોળતાં કે ખોલતાં વાર જરૂર લાગે પણ એક વાર એ એનું રહસ્ય ખોલે એટલે આપણી સમક્ષ અગાધ ઉંડાણ અને અફાટ, અલૌકીક રહસ્ય–સૌંદર્ય ખુલ્લું મુકી દે છે.

પત્રવ્યવહારોનો જમાનો હતો. પત્રો એક વાતાવરણ ઉભું કરી દેતા. દરેક પત્રમાંનો કોઈ ને કોઈ શબ્દ એક નાનકડું જગત લઈ આવતો. ઉમાશંકરભાઈ કહે છે તેમ, “ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો….” એ અનુભવાતું.

શબ્દનું પ્રાકટ્ય  કે શબ્દની વાચના પણ શબ્દની સાધના બની રહે છે; બની રહેવી જોઈએ. આપણી પાસે પત્રોને બદલે હવે ફોન કે સામાજીક મીડીયાનાં ઉપકરણો આવી ગયાં છે. લખનારાં ને વાંચનારાંઓ બન્નેને હવે એનાથી ફાવી ગયું છે, કહું કે હવે એ વ્યસનરુપ બનતું જાય છે. આવામાં પત્રના શબ્દોની જીવંતતા કેટલી તે હવે મૅસેજીયા વ્યવહારો કરનારા – લખનારા–વાંચનારા – જાણે.

ટપાલનો શબ્દ એક નવું પરીમાણ ઉભું કરી દેતો હતો – પત્ર વાંચનારને પત્રના શબ્દે શબ્દે લખનારનો ચહેરો દેખાઈ દેતો. લખનાર જ નહીં પણ તેની સાથેના લોકો પણ વાચક સમક્ષ, પ્રત્યક્ષ થઈ જતા….

હવે વીડીયો કૉલથી સૌ આમનેસામને થઈ શકે છે. એટલે એમાં શબ્દ જાણે કે ગૌણ બની રહે છે ! દૃષ્યની પછવાડે શબ્દ સંતાઈ જતો લાગે છે.

ભાષાના સંકોચનની કે ભાષાની ભેળસેળની ચીંતા કરનારાઓને શબ્દનું આવું સંકોડાઈ–સંતાઈ જવું ધ્યાને આવી જશે તો પણ આ મોબાઈલીયા સંસ્કૃતીથી બચવાનું હવે કેટલે ?!

શું લાગે છે, પેલી ટપાલલીલા હવે પાછી જોવા–અનુભવવા મળશે ખરી ?

91 total views, 1 views today

2 comments for “સંકોડાઈ રહેતો શબ્દ

 1. August 9, 2019 at 2:06 am

  ખરેખર શબ્દને અર્થ હોય છે કે એને વાંચનાર એને અર્થ આપે છે? અથવા વાંચનાર એમાં ઉંડા ઉતરીને અર્થ શોધી કાઢે છે? આથી જ કદાચ બધા વાંચનારાઓના અર્થ એક સરખા જ હોય એવું બનતું નથી.

  • August 9, 2019 at 10:13 am

   કહે છે ને કે કાષ્ટમાં અગ્નિ સમાયેલો છે પણ એને પ્રગટ કરવો પડે છે. એ જ રીતે શબ્દને અર્થ હોય જ છે પણ લેખક એને વાક્યે પ્રયોજીને પ્રગટ કરે છે. કોશમાં રહેલો શબ્દ અને વાક્યમાં પ્રયોજાયેલો શબ્દ આ રીતે સમજી શકાય…..જોકે વાચકનું પણ કેટલું મહત્ત્વ છે તે આનાથી સમજાય છે. કોશે પડેલો શબ્દ જેમ મૌન હોય છે તે જ રીતે વાક્યે પ્રયોજાયેલો શબ્દ પણ વાચક પ્રવૃત્ત થાય ત્યારે જ અર્થ આપે છે !!

   આપની એ વાત પણ સાચી છે કે વાચકની ભુમીકા મુજબ અર્થફેર થતો હોય છે. આમ શબ્દના અર્થનું પ્રત્યાયન ન થાય ત્યાં સુધી તે શબ્દમાં બંદી રહે છે. વાચકો એને છોડે છે તેય પોતાની લાયકાત મુજબ.

   આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *