પ્રવીણાબહેન કડકિયાનું લેખનક્ષેત્ર

પ્રવીણાબહેને પોતાનો પરીચય બ્લૉગના મૅનુ પર આપ્યો છે. લખે છે :

“પરિચય આપવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. એક વખત આપ્યો હતો કિંતુ કમ્પ્યુટર વાપરવાની અણઆવડતને કારણે ભુંસાઈ ગયો. જીવનમાં  યુવાની આવે ત્યારે બાળપણ અને ઘડપણ આવે ત્યારે યુવાની ભૂંસાઈ જાય તેમ.

“૨૧મી સદીની કમાલ જુઓ, વગર જોયે, વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે. બસ સૌનો પ્રેમ નિરંતર મળતો રહે છે. ૩૦ વર્ષનો અમેરિકાનો  વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા છે. મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ  અને વિલ્સન કોલેજની જીંદગીને  ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અહીં (અમેરિકા) આવી વસવાટ કર્યો.

“સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામાં  સાહિત્ય તો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે (પતિવિયોગનું) અણધાર્યું વાવાઝોડું સર્જી  અંતરમાં ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે  આવી, શાંતિને વરી. કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.

કેટલીક વીગતો એમના જીવનની જોઈશું :

૧૯૬૫માં વિલ્સન કૉલેજ, મુંબઈથી સ્નાતક થયાં, લૉ કૉલેજમાં અભ્યાસ શરુ કરેલો પણ લગ્ન થઈ ગયાં એટલે લૉ પુરું ન કરી શક્યાં. પણ પછી તો સંસારની માયાજાળ, અમેરિકામાં આગમન ૧૯૭૭, બેંકમાં નોકરી, ઉપરાંત સબસ્ટીટ્યુટ ટીચરની નોકરી પણ ખરી જ.

આજે નિવૃત્ત અવસ્થાએ, પોતાના વ્યવાસાયમાં પ્રવૃત્ત બન્ને દીકરાઓ અને સુંદર બે વહુઓ અને ૩ પૌત્ર, બે પૌત્રીઓથી મહેકતા ઘરમાં પ્રસન્ન છે. 

એમની લેખનપ્રવૃત્તીમાં યશનાં ભાગીદારો છે એમની પુત્રવધુઓ ! કહે છે,

“સૌ પ્રથમ તો, બંને વહુઓના  પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭માં “સમર્પણ” નામથી ભક્તિ અને ભજનના ભાવભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. ૨૦૦૪માં “અંતરનો  અવાજ ”નામની પુસ્તિકા.

“ગુજરાતી સાહિત્ય સરિતાના સંગે સહિયારા સર્જન દ્વારા ઘણી લઘુ નવલકથા અને નવલકથાઓમાં લખવાની તક મળી અને તેમાંની “હરિયાળી ધરતીનાં મનેખ” અને “છૂટાછેડા-ઓપન સિક્રેટ” પ્રકાશનના પંથે છે.

યોગ શિક્ષિકા તરીકે કાર્યન્વિત છું અને દરેક લલિતકલામાં રસ ધરાવું છું.”

થોડી વધુ વીગતો ઉમેરતાં તેઓ લખે છે :

“પ્રભુની કૃપાથી બેંગ્લોર જઈ “યોગ” વિશે જાણકારી મેળવી. એક વર્ષની તપસ્યા અને દેશમાં રહેવાનો મોકો પામી. આ મીઠું સંભારણું પાલવે બાંધી પાછી અમેરિકા આવી પ્રવૃત્તિમય બની.”

આજે પણ સિરામિક્સ, બ્રાઝિલિયન એમબ્રોડિયરી અને ગુંથણકામ એમની હોબી છે. જે એમનો જીવન અને સર્જનરસ જીવંત રાખે છે. 

જીવનની ફીલસુફી સમજાવતાં કહે છે –

“હવે જીવનમાં સમાજનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. છેલ્લાં પંદર વર્ષથી “Voice of Sanatan Hinduism”માં મિત્રો સાથે રેડિયો પ્રોગ્રામ, દર રવિવારે “૯થી ૧૨” પ્રસ્તુત કરી સેવા આપી રહી છું. શ્રીનાથજીબાવાની અસીમ કૃપાથી જાન્યુઆઅરીની ૨૨મી તારીખે ડૉ. નટવરભાઈ ગાંધીના શુભ હસ્તે પ્રથમ નવલકથા ‘એક ડગ ધરા પર’નું વિમોચન થયું. ત્યાર પછી પ્રકાશિત કરી ‘જાગીને જોંઉ તો”, ‘જીગરના પપ્પા’, ‘સંઘર્ષની સોડમાં’, ‘ઉમંગનું લોલક’ હાલમાં ચાલુ છે, ‘ઝાકળ બન્યું મોતી’”

એમના બ્લૉગનું નામ જાણીતું છે : “મન,માનસ અને માનવી” જેની સરનામા–લીંક છે : https://pravinash.wordpress.com/

એમનો વીઝેટ વીભાગ ‘મહિનો પસંદ કરો’ તપાસતાં જણાય છે કે, આ બ્લૉગનો આરંભ, ૨૦૦૭ જાન્યુઆરીમાં થયો છે. આજે ૧૯ વરસનાં વાણાં વાઈ ગયાં છે ને પ્રવીણાબહેન એકધારાં આ લેખનપ્રવૃત્તીમાં પ્રવૃત્ત છે.

એમના ઉપરોક્ત બ્લૉગના મેનુની યાદી લાંબી નથી પરંતુ એમના રસના વીષયોને ખુલ્લાં કરી આપે છે :

ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ’, ‘મારો પરિચય’, ‘યોગ’ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય’, ‘યોગ-સાધના’, ‘યોગનો અભ્યાસ’, ‘શૈશવનાં સંભારણાં’.

બધા જ મેનુ લખાણોથી ભરચક્ક છે ! ‘શૈશવનાં સંભારણાં’માં તેમણે ભાવનગરનાં કાર્યોની વાતો લખી છે એના કરતાંય, બાળકો અને સમાજના નબળા વર્ગોના માનવીઓ સાથેનું એમનું ભાવજગત પ્રગટ થયું છે તે મનભર છે.

એક મીત્રના કહેવાથી જ માત્ર એક સભામાં ગયાં અને ત્યાં ‘શૈશવ’ સંસ્થાનાં સંચાલકો મળી ગયાં જેને તેમણે યોગાનુયોગ ગણીને વર્ણવ્યાં છે. અને સામાજીક કાર્યોને મળેલી નવી દીશા અંગે ભરપુર ને ભરપેટ લખ્યું છે.

એમના બ્લૉગ પરની “કૅટેગરીઝ”માં વીષયોનું વર્ગીકરણ લખાણો આવતાં ગયાં તેમ તૈયાર થતું ગયું હશે તેવું લાગે છે. એ વીષયો આ પ્રમાણે છે :

એક ડગ ધરા પર, કાવ્યો, ખુલ્લી આંખે, ગમતાં કાવ્યો, ગમતી ગઝલ, ચાલો રસોડામાં, ચિંતન લેખ, જાગીને જોઉં તો, જીવનમાં ઉમંગ, ટૂંકી વાર્તા, નવલકથા, ભજનો, વિચારનાં વહેણ, વિણેલાં મોતી, સ્વરચિત રચના તથા હાસ્ય રસ.

આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે એટલે કે તા. ૫,૮,૧૯ના દીવસે એમના વાચકોની ક્લીકનો આંકડો  237,800 hits પર હતો.

તેમનાં કાર્યક્ષેત્રોના લાભાર્થીઓની સંખ્યાનો આંકડો સદાય અને સતત વધતો રહે તેવી શુભેચ્છાઓ સાથે –

ધન્યવાદ !!

તેમના સંપર્ક માટેની વીગતો આ પ્રમાણે છે :

વસવાટનું સરનામું :

૬૫૧ બેરિંગ ડ્રાઈવ, યુનિટ # ૩૦૪

હ્યુસ્ટન, ટેક્સાસ

૭૭૦૫૭  અમેરિકા

Email:

pravina_avinash@yahoo.com / pravinammody@gmail.com

બ્લૉગનું આઇડી : https://pravinash.wordpress.com/

82 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *