ફેસબુકીયમ્ !

(નોંધ : ગઈકાલે એકદમ જ કેટલુંક પદ્ય સુઝી આવ્યું તે બસ એમ જ ફેસબુકને પાને લખી દીધેલું….અહીં આ સાઇટપાને સંઘરવા પુરતું મુકવાના ઉપક્રમે રજુ કરું છું. )

વિવેચકઃ “સર્જક નથી થયો તું રે,
કવિ તું શીદ ગુમાનમાં રાચે !”

કવિઃ “કવિ હું; શીદ ગુમાનમાં રાચું ?!
વિશ્વવંદિની વૈખરી ચરણે સાર્થશબ્દને યાચું !

હું શીદ ગુમાનમાં રાચું ?!”

—————————————————–


એક સંવાદી કવીતા !!

“આ કવીતા તને નહીં સમજાય,
કારણ કે
તું…..
(જવા દે, સવાર સવારમાં ગાળ ક્યાં બોલવી ?)”

“એ કવીતા
મને નહીં જ સમજાય;
હું મને ‘અજ્ઞાન’ કહીને
ગાળ દઈ શકીશ.”

“ઉત્તમ કવીતા
નારીયેળનાં પાણી જેવી હોય છે –
એને પામવા માટે તારે
બહુ મહેનત કરવી પડે;
તું એને લાયક નથી…
સમજ્યો ?”

“મને તો 
ઉત્તમ કવીતા 
ન ખુલી શકે તેવી કાચની બરણીમાં પડેલા
અથાણા જેવી લાગે –
ધારું તોય ખાઈ ન શકું.

હા, અભ્યાસુ હોવાનો વહેમ મારવા
એનાં વખાણ કરી શકું.
(ને એમ વીવેચક હોવાની બબુચક માન્યતા રાખી–રખાવી શકું)”

“તું
કીડો છે;
બરણીની બહાર અથાણા માટે ટળવળતો…”

“પણ
કોણ જાણે કેમ,
બરણીમાંના અથાણાને મૂલવી રહેલા…
પે…..લા કેટલાક
અંદર પુરાઈ ચુકેલાઓને
(જવા દો, સવ્વાર સવ્વારમાં એમને કીડા ક્યાં કહેવા !!)”

—————————————————————–


હું
કાવ્યને પ્રેમ કરું છું.

સમજાય તો
મારા આનંદ માટે,

ને

ન સમજાય
તો
ઓડકાર “સંભળાવવા” માટે !

——————————————–

ન સમજાતી કવીતા,

ન ઉઘડતી કાચની બરણીમાં
સંઘરેલા અથાણા જેવી હોય છે.

ખવાશે તો નહીં ,
પરંતુ

વિદ્વાનો કરે છે તેવો 
ડૉળ કરીને
અથાણાને વખાણતાં વખાણતાં –

સૌ સાંભળે એવો
ઓડકાર ખાઈને
સંતોષ લઈ શકાય છે.

પછી
અન્યોને પુછી પણ શકાય કે –

“કેમ, કેવી લાગી કવીતા ?!”

——————————

કાટવાળી ખીલી વાગવાથી સામાન્ય માનવીના લોહીમાં ધનુરના જંતુઓ વકરે છે.

વિદ્વાનોને કોઈ ખાસ પ્રકારની ખીલી વાગે ત્યારે એના જંતુઓને “તોછડાઈ” કહે છે.

— અજ્ઞાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *