આંધળી માનો મોબાઇલ

એક જમાનામાં ‘આંધળી માનો કાગળ’ ગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે, પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની હાલતનું વર્ણન કરતી વખતે પણ એની દીકરા પ્રત્યેની માયા ઓછી નથી થતી.

આજે આંધળી મા તો રહી નથી, પણ દીકરાની માયામાં આંધળી બની જતી મા પાસે દીકરાને કાગળ લખવાનો ટાઇમ નથી. (કદાચ આવડતોય નથી!) પણ મોબાઇલ તો છે ને? બસ, એનો બધો પ્રેમ, બધી ચિંતા એ મોબાઇલથી વ્યક્ત કરતી રહે છે અને અજાણપણે ત્રાસ ફેલાવતી રહે છે. દીકરો કમાવાને બદલે ભણવા બીજા શહેરમાં ગયો છે. માને ચિંતા ન થાય ? એ શું ખાતો હશે ?

(પહેલી ચિંતા). તરત મોબાઇલ કાને લગાવી ગળગળા અવાજે શરૂ.

‘બેટા ખાધું ?’

‘હા મમ્મી, ક્યારનું જમી લીધું.’

‘શું જમ્યો બેટા ?’

‘એ જ, દાળ–ભાત–શાક ને રોટલી.’

‘દાળ–શાક તને ભાવે છે ને ? ભાત ને રોટલી કાચાં તો નથી ખાતો ને ? એવું હોય તો સરને ફરિયાદ કરી દેજે. ન ભાવે ત્યારે તારા પૉકેટમનીમાંથી બહાર ખાઈ લેજે. પૈસાની ચિંતા નહીં કરતો (!). બે ટાઇમ બૉર્નવિટા ને ફ્રૂટ–બિસ્કીટ આપે છે ને ? બેટા ભૂખ્યો નહીં રહેતો. અહીં તો હું તારું ધ્યાન રાખતી, ત્યાં તને કોણ જોતું હશે ? પ્લીઝ, બરાબર ખાજે–પીજે, ચિંતા નહીં કરતો, હું રોજ ફોન કર્યા કરીશ. તારાથી નહીં બોલાય તો અમે આવીને સરને સમજાવી જઈશું. ’

એક ચિંતા પતાવી–દૂર કરી, ત્યાં બીજી હાજર જ હતી ! સવારે ઊઠવામાં તો દીકરો બહુ આળસુ છે. ત્યાં એને કોણ ઉઠાડતું હશે ? તે પણ મારી જેમ, માથે વહાલથી હાથ ફેરવીને ? ભીની આંખે મા દીકરાને ફોન લગાવે છે.

‘દીકરા, તું સવારે જાતે ઊઠી જાય છે કે કોઈ તને ઉઠાડે છે ?’

‘મમ્મી, અહીં તો રોજ સવારે છ વાગ્યે બધાના રૂમમાં રિંગ વાગે એટલે અડધા કલાકમાં તૈયાર થઈને બધાએ નીચે નાસ્તા માટે પહોંચી જવાનું. ’

‘હાય હાય ! અડધા કલાકમાં તૈયાર થઈ જવાનું ?’ માની ચિંતા આંસુ બની ધોધમાર વરસવા માંડે. જેને પથારીમાંથી બહાર નીકળતાં જ પંદર મિનિટ થાય અને નિત્યકર્મ પતાવતાં અડધો કલાક લાગે, તેણે અડધો જ કલાકમાં ? પછી બિચારાનું પેટ ના બગડે ? માંદો ના પડે ? આ હૉસ્ટેલવાળા પણ ખરા છે ! તદ્દન જડ જેવા. જોયા ન હોય મોટા બહુ ડિસિપ્લીનવાળા ! મેં તો કેટલી ના પાડેલી એને હૉસ્ટેલમાં મૂકવાની, પણ મારું કોણ સાંભળે છે?’ માની વાત તો ખરી હતી. જોકે, આ બધો બબડાટ તો રોજનો થઈ ચૂકેલો. હવે બે વરસ પછી પણ એને સાંભળવા કોણ નવરું હોય ? પણ મા એટલે મા. ચિંતા તો થાય ને ? માની ચિંતામાં ફક્ત ભણવાની ચિંતા છેલ્લે આવે (જેના માટે એને હૉસ્ટેલમાં મૂકેલો) પણ બાકી બધી ચિંતા એને ઠરવા ન દે. એને એટલે માને અને દીકરાને પણ !

‘રૂમમાં રોજ ઝાડુ–પોતાં થાય છે ? કપડાં સારાં ધોવાય છે કે ? ઇસ્ત્રીવાળો કપડાં ખોઈ કે બાળી નથી નાંખતો ને ? તું માથામાં તેલ નાંખે છે ને ? શૅમ્પૂ છે કે ખલાસ ? દોસ્તોને બધું આપી નથી દેતો ને ? કે પછી એ લોકો જ બધું પૂરું કરે છે ? નાસ્તા છે કે મોકલાવું ? પૈસા જોઈએ તો પપ્પાને કહું ? દાદા–દાદી તને બહુ યાદ કરે છે. કાકા, મામા, કાકી અને માસી પણ યાદ કરે છે.’ માનું અને માની ચિંતાનું લિસ્ટ બહુ લાંબું અને દીકરાને અકળાવનારું, તેમ જ દોસ્તોમાં મશ્કરીને પાત્ર બનાવનારું છે, પણ શું થાય ? મા તે મા.

માબાપની ચિંતા દૂર કરવા દીકરો ભણી રહ્યો અને સરસ મજાની નોકરીએ લાગ્યો. બિચારી માના નસીબે બીજા શહેરમાં ! ફરીથી માને તો મોબાઇલના સહારે જ રહેવાનું આવ્યું ને ?

સવારમાં છ વાગતાં જ ફોન ચાલુ.

‘ઊઠ બેટા, છ વાગી ગયા.’

‘મમ્મી, હું ઊઠી જઈશ, મેં એલાર્મ લગાવ્યો છે.’

‘મને ખબર છે તારી ઊંઘવાની ટેવ. હૉસ્ટેલમાં તો બધા સાથે હતા. અહીં તને કોણ ઉઠાડે ? ચાલ તો, ઊઠી જા તો.’

દીકરાની લાખ ના છતાં મમ્મી તો દર પાંચ મિનિટે ફોન કરીને દીકરાને ઉઠાડીને જ રહી. બીજા દિવસથી દીકરાએ પોણા છએ માને ફોન કરીને જણાવવા માંડ્યું કે, ‘મમ્મી ફોન નહીં કરતી, હું ઊઠી ગયો છું.’

ઓફિસમાં પણ, કોઈ પણ સમયે ફોન કરી દેતી મમ્મીને દીકરાએ કહેવું પડ્યું, ‘મમ્મી, હવે મેસેજ કરી દેજે અને વાત કરવી હોય તો આપણે રાત્રે વાત કરશું.’ મમ્મીને જરા માઠું લાગી ગયું, દીકરો મોટો થઈ ગયો! ખરેખર, માની લાગણી કોણ સમજી શકે ?

હવે ? છેલ્લું ચૅપ્ટર. દીકરાનાં લગ્ન થયાં, વહુ આવી. વહુ આવે એટલે કંઈ માએ ખસી જવાનું ? નહીં જ વળી. એવું વળી કોણે કહ્યું ? માને ચિંતા ના થાય ? (થાય ને થવી જ જોઈએ પણ હવે તો ભાર ઝીલવાવાળી આવી, પછી માએ શેનો ભાર રાખવાનો? પ…ણ મા તે મા.) વળી, મોબાઇલ શાના માટે છે ?

‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ. તારાં કપડાંની ખરીદી કોણ કરે છે ? આટલાં વર્ષો મારી પસંદનાં કપડાં પહેર્યાં, તે હવે વહુની પસંદનાં કપડાં ગમે છે ? ના ગમે તો કહેજે, મોકલી આપીશ. તબિયત સાચવજે, બહારનું ખાતો નહીં, તાપમાં ફરતો નહીં…..’(વગેરે..વગેરે..વગેરે.)

(દીકરાને માથે ચડાવતી કે માવડિયા બનાવતી મોબાઇલ–માતાઓને ‘મધર્સ ડે’ પર સપ્રેમ ભેટ.)

127 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *