રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–


રાજુલબહેનનો પરીચય મને બ્લૉગજગત પુરતો જ હતો. તેઓ આ દુનીયામાં આવતાં પહેલાં (એમનો બ્લૉગ શરુ થયો ૨૦૦૯/ ૬ જૂનથી. એ પહેલાં તેઓ દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગમાં લેખો આપતા હતા…) અનેક છાપાં–સામયિકોમાં કલમ ચલાવી ચુક્યાં છે તે વાતની જાણ તો હમણાં જ થઈ ! એમનાં લખાણો પ્રગટ થયાં છે તે સ્થાનોની યાદી જ ઘણી મોટી થવા જાય છે. જુઓ ને –

દિવ્યભાસ્કરમાં ‘માધુરિમા’માં કવર સ્ટોરી; ‘કળશ’માં માનુષી કૉલમમાં; શનિવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ કૉલમ; બુધવારે ફિલ્મ રિવ્યૂ; રવિવારે યાત્રાપ્રવાસ કૉલમ; ગુજરાતના હેરિટેજમાં અનેક ઐતીહાસીક સ્થળો વીષેનાં લખાણો; વીદેશપ્રવાસોના આધારે અમેરિકા–યુકેનાં કેટલાંય શહેરોની અવનવી માહીતી આપતા લેખો ઉપરાંત –

‘નવગુજરાત સમય’માં પણ વીદેશોમાં જોવાલાયક સ્થળોનાં જીવંત અહેવાલો અને કેટલાંક લખાણો તો વડોદરાના ‘ફીલિંગ મૅગેઝીન’માં પણ પ્રકાશિત થયાં.

એક શરૂઆત બીજી કડીને જોડે એમ “ક્રીયેટ સ્પેસ” પર પણ એમની બે નવલકથાઓ મુકાઈ છે. તથા ૨૫ વર્તાનોનો સંગ્રહ, હકારાત્મક અભિગમ અને ચિંતનકણિકા પ્રસિદ્ધ થવાની તૈયારી ચાલે છે…

અને –

૨૦૧૦માં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળતાં ત્યાં સ્થાયી થતાં જ કેનેડાથી પ્રકાશિત ‘ગુજરાત ન્યૂઝ લાઇન’ માટે ફિલ્મ રિવ્યૂ આપવાનું તેમણે શરુ કર્યું છે.

લખાણોની સાથે સાથે જ કેટલીક સામાજીક પ્રવૃત્તિઓમાં સક્રીય રહીને તેમણે ભાષા–સાહીત્યમાંનો પોતાનો રસ જીવંત રાખ્યો છે ! જેમ કે –

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની સાથે રહીને સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાયાં; કેલિફોર્નિયા બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ સાથે પણ જોડાઈને તેમણે બેઠક શબ્દોના સર્જન પર સળંગ ૫૧ લેખ આપ્યા અને તાજેતરમાં કવિતા શબ્દોની સરિતા પર લેખો શરૂ કર્યા છે….!

અને હા, ‘પત્રાવળી’ નામક પત્રશ્રેણીમાં તો તેઓ એક યજમાન પણ છે. 

તેમણે જે કાંઈ પ્રીન્ટમીડીયામાં લખ્યું તે તમામ એમણે પોતાના આ બ્લૉગ પર મુક્યા છે. એ સીવાયની પણ કેટલીય સામગ્રી તેમણે સીધી જ બ્લૉગ પર પ્રકાશીત કરી છે. જેમ કે –

વાર્તાઓ, નવલીકા, લઘુ નવલકથા અને સહીયારા સર્જન પર લખાયેલી વાર્તા અને પોઝીટીવ એપ્રોચ પરના લેખો, ઉપરાંત આદર્શ અમદાવાદની પત્રીકા માટે જે લેખ જતા એ પણ એમના બ્લોગ પર મુકાતા રહ્યા છે કે જે “સંવંર્ધન માતૃભાષાનું” ગ્રંથમાં ચીંતનકણીકાના નામે મુકાયા છે.

એમના બ્લૉગ “રાજુલનું મનોજગત” વીશે વાત કરીએ તો કહેવું જોઈએ કે બહારના જગતમાં જે કાંઈ તેમની કલમથી આળેખાતું રહ્યું છે તે બધું જ – તેમના તમામ લેખો જેમ કે યાત્રા પ્રવાસ, વાર્તા, લઘુ નવલકથા, નીબંધીકાઓ અને  એમને ખરેખર ગમી હોય – મનને સ્પર્શી હોય એવી ફીલ્મના રીવ્યુ વગેરે તેઓ હવે ફેસબુકના એમના પાના પર મુકે છે અને વર્તમાન સમયમાં પીરસાતી પત્રાવળી પણ ખરી જ – તો આમ, તેમનું બધું જ બ્લૉગ પર મુકીને નેટજગતને પણ લાભ આપ્યાં કર્યો છે.

તેમણે સ્વતંત્ર રીતે લખેલી અને હ્યુસ્ટનના વિજયભાઈ સાથે રહીને પણ લખેલી નવલકથાઓ –‘છિન્ન’, ‘એષા’, ખુલ્લી કિતાબ (સહ લેખક વિજય શાહ-હ્યુસ્ટન) અને ‘આન્યા મૃણાલ’ ( સહલેખક વિજય શાહ હ્યુસ્ટન) પણ તેમના બ્લૉગ પર મુકાઈ છે.

આ સીવાય ખાસ જાણવા જેવું તે તેમણે પોતાના આ બ્લૉગમાં યાત્રા-પ્રવાસ, ફીલ્મ રીવ્યુ, વાર્તાઓ, લઘુ નવલકથા, નીબંધ, સહીયારું સર્જન, હકારાત્મક અભીગમ વીષયક લખાણો, ચીંતનકણીકા, ‘પત્રાવળી’ જેવી દસ કેટેગરીઝમાં અલગ અલગ વીષયો આવરી લીધા છે. 

એમના બ્લૉગ ‘રાજુલનું મનોજગત‘ પર લગભગ ૩૫૦ જેટલા લેખો મુકાયા છે. અને ૧૦૬૯૭૩ મુલાકાતીઓએ મુલાકાતો લીધી છે. 

બ્લૉગજગત સાથે સંકળાવા પાછળના તેમના હેતુઓ સાવ સાદા લાગે પણ તેમાં રહેલી કેટલીક ભાવના વાચકોને પ્રેરે તેવી છે. એમને પૂછ્યું તો તેમણે ભાવપૂર્વક કેટલીક વાતો ટુંકાણમાં મુકી….જુઓ :

“બ્લોગ શરૂ કરવાનો હેતુ તો મારા મનની વાતોવિચારો વ્યક્ત કરવાનો હતો. ગુજરાતી ભાષાનું જ્યારે પ્રભુત્વ જ  ઓછું થતું જતું હોય ત્યારે ગુજરાતી લેખક અને વાચક સાથે પરોક્ષ રીતે સંકળાયેલા રહેવાનોય લોભ તો ખરો જ. આ જુવોને, આપણે પીરસેલી ‘પત્રાવળી’માં  આપણી સાથે કેટલા મહેમાનો જમ્યા ! હવે આ તમામને તો મળવાનો યોગ ક્યારે થશે એ તો ઈશ્વર જાણે પણ આ પત્રવ્યવહારના લીધે એક વાતવ્યહવાર તો ઊભો થયો જ ને ? એનોય મને આનંદ અને સંતોષ છે. અમદાવાદથી માંડીને અમેરિકા કે ઑસ્ટ્રેલિયા સુધી કોઈ આપણી લખેલી વાત વાંચે એ તો અખબાર કે  બ્લોગના લીધે જ શક્ય બને નેઅખબાર ક્યાં પહોંચે એ નિશ્ચિત નથી હોતું પણ ઈન્ટરનેટના લીધે બ્લોગ તો વિશ્વવ્યાપી છે એટલે એના લીધે બ્લોગર પણ વાચક સુધી પહોંચી જાય છે.

એ સીવાય પણ તેમને પોતાના આ ક્ષેત્રકાર્ય દરમીયાન જે અનુભવો થયા તે બહુ મજાના છે ! મને લાગે છે કે નેટસુવીધા શરુ થઈ અને તેમાંય તે ગુજરાતીમાં લખાવાનું શક્ય બન્યું પછી લેખકોનો મોટો ફાલ આપણને મળ્યો છે ! કેટલા બધા લેખકો !!

આમાંના દરેક લેખકને કોઈ ને કોઈ અનુભવ તો થયો જ હશે જે એમના માટે હૃસયસ્પર્શી બની રહ્યો હોય ! આ એક એવું સબળ અને સ–રસ પાસું છે જે નેટજગતના દરેક લેખકને સ્પર્શી જાય છે. રાજુલબહેન પણ એમાં અપવાદ શી રીતે હોય ? તેમના અનુભવો બહુ જ ધ્યાન ખેંચનારા છે. એમાંના કેટલાક અંગે આપણે જાણીએ –

૧) આ સમય દરમ્યાન વાચકોના પણ સરસ પ્રતિભાવો મળ્યા. આ તમામ લેખોમાં “મા  અને મમ્મીજી‘ – મધર ઈન લૉવિશેનો  લેખ સૌથી વધુ હ્રદયસ્પર્શી રહ્યો એવું મને વાચકોના પ્રતિભાવ પરથી સમજાયું હતું કારણકે આ લેખમાં સાસુને મેં મા તરીકે સ્થાન આપ્યું હતું. મા સાથે તો જન્મ પહેલાથી સંબંધ બંધાય જે લોહીનો હોય પણ સાસુમા જેમની સાથે લાગણીનો સંબંધ હોય એ સંબંધને મેં સન્માન્યો હતો.

એ સંબંધ માત્ર કહેવા કે લખવા પૂરતો નહોતો, એ સંબંધ તો હું સાચે જ જીવી હતી.

(આ લેખોના અત્યંત રસપ્રદ પ્રતીભાવો હું વાંચી ગયો છું. મને લાગે છે કે આ પ્રતીભાવો વાચકોએ વાંચી જવા જોઈએ. અહીં સ્થળસંકોચવશ તે શક્ય ન હોઈ સૌને એમના બ્લૉગ પર જઈને તેનો આસ્વાદ લેવો રહ્યો. – જુ.)

૨) સૌથી પહેલો લેખ દિવ્યભાસ્કરની પૂર્તિ કળશમાં માનુની વિભાગમાં લીઝા શાહ નામના ડાયેટ કન્સલન્ટટ પર મૂક્યો જે મારા બ્લોગ પર પણ મૂક્યો ત્યારે આખા દિવસ દરમ્યાન અમદાવાદ જ નહીં ગુજરાતભરમાંથી પણ સતત ફોન આવ્યા.

૩) માધુરિમામાં સત્ય ઘટનાને આધારિત બાપરની વાર્તા વાંચીને લગભગ ૩૦ વર્ષ પહેલાંના અમારા પાડોશીએ દિવ્યભાસ્કરમાં મારો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો, કારણકે રાજુ તરીકે ઓળખાતી છોકરીના નામની સાથે લાગેલી પહેલાંની અટક નાણાવટીમાંથી બદલાઈ ગઈ હતી પણ એ વાર્તા વાંચીને એમને ખાતરી થઈ ગઈ કે આ રાજુલ એ રાજુલ નાણવટી જ હોઈ શકે.…!

૪) યાત્રાપ્રવાસના લેખો તથા બેઠકમાં શબ્દોના સર્જન પર મુકેલા હકારાત્મક અભિગમના લેખને કારણે ઘણાએ એવો પ્રસ્તાવ પણ મુક્યો છે કે આ તમામ લેખોનું અંગ્રેજીમાં ભાષાંતર થવું જોઇએ જેના લીધે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો કે યુવાનોને પણ વાંચવા સમજવાની સરળતા રહે. (આ તમામ લેખો ઈવિદ્યાલય પર દર શનિવારે પ્રગટ થાય છે.)  

તેમના બ્લૉગ પર જમણી બાજુના સાઇડબાર પર કેટેગરી વીભાગની સમૃદ્ધી જોઈ શકાય છે. પરંતુ એ યાદી કેટેગરી કરતાં વીશેષ તો અનુક્રમણીકા જેવી વધુ લાગે છે. બધાં લખાણોને જુદા જુદા વીભાગો પાડીને વહેંચી દેવા જોઈએ તેને બદલે અહીં ક્યારેક તો કોઈ એક લેખને પણ કેટેગરીરુપે મુકી દવાયો જણાય છે !

રાજુલબહેન કૌશિકને અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ !!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

નોંધ : પ્રસ્તુત લેખ (બ્લૉગ અને બ્લૉગરપરીચય) એક ઉ અને એક ઈમાં લખાયો છે પરંતુ બ્લૉગરના પોતાના લખાણને સાર્થ જોડણીકોશ મુજબ જ – જરુર પડી ત્યાં સુધારીને – પ્રગટ કર્યો છે.

53 total views, 2 views today

2 comments for “રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–

  1. January 27, 2019 at 3:41 am

    વાહ… ખૂબ સરસ.. વાંચીને આનંદ… આનંદ…

  2. Kalpana Desai
    January 27, 2019 at 4:49 am

    વાહ👌 આટલું બધું અને સતત મજાનું સાહિત્ય પીરસ્યું અને તેય ગજાવ્યા વગર? બહુ સરસ. બહુ ગમી એમની વાતો. આભાર જુભાઈ. શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *