ગુરુવંદના

પુસ્તકોનાં પાનાં પકડીને પહોંચ્યો…

પુસ્તકો દ્વારા જેમને ઓળખ્યા નહોતા –                                                          – જુગલકીશોર.

ચડ્ડી ને બાંડીયું પહેરવાના ને ઘરથી ક્યાંય દુર ન જવાના એ દીવસો હતા. ગામડા ગામની શાળામાં કાંતિભાઈ સાહેબ આદર્શ શીક્ષક ગણાતા. એ મારતા નહી. એકદમ આકર્ષક લાગે તેવી, સહેજ ત્રાંસી રહેતી ટોપી. ધોતીયુંય સરસ રીતે પહેરવાની રીત. સફેદ ઝભ્ભા ઉપર હંમેશ બંડી તો હોય જ. મજાનો રણકારભર્યો અવાજ. એકદમ સુંદર ઘાટના કાન ને નાક.

એની સામે કાંતીભાઈ કરતાં ઉંમરમાં મોટા છતાં ‘નાના માસ્તર’ તરીકે ઓળખાતા સાહેબ બેઠી દડીના, સહેજ વાંકા વળેલા ને કંઈક અંશે બેડોળ લાગતા પણ ભણાવવામાં કડક. ને મારેય ખરા. તોફાની છોકરાવ ભાગ્યે જ એમની એ પ્રસાદી વગરના હોય !

રંઘોળા ગામની એ શાળામાં પીતાશ્રીના મીત્ર એવા કાંતીભાઈ સાહેબના સાંનીધ્યમાં મોટા ઈસ્કોતરામાં છલોછલ ભરેલી ચોપડીયું લગભગ બધી જ ‘વાંચી નાંખેલી’ (મોટાસાહેબ સમય સમય પર ટકોરતા રહેતા કે, ‘કામ કરી નાખવું’; ‘ચોપડી વાંચી નાખવી’ એ તો કામ અને વાચનને ફેંકી દેવા બરાબર કહેવાય. ‘કામ કરી લીધું’, ‘વાંચી લીધું’ એમ જ બોલાય…વગેરે.

આ શાળાની ઈસ્કોતરા લાઈબ્રેરીમાં નાનાભાઈ ભટ્ટ અને ગીજુભાઈની પુસ્તીકાઓ ઘણી હતી. બાળવાર્તાઓ તો પાર વગરની. આ બધી પુસ્તીકાઓ વારાફરતી વંચાયેલી. એ વખતે ગીજુભાઈ કે નાનાભાઈ પહેલે પાને છપાયેલા હતા એ સીવાય કોઈ રીતેય મહત્ત્વના નહોતા. બસ, વાર્તાના પહેલા પાનાથી જ ખજાનો શરુ થતો ને છેલ્લે પાને પુરો થતો.

શાપુર સર્વોદય આશ્રમની સ્થાપના શ્રી રતુભાઈ અદાણીએ કરેલી. ખંભાતના દીવાન રહી ચુકેલા શ્રી અકબરભાઈ નાગોરી સંચાલક હતા. મદીનાબહેન હજી ધારાસભ્ય થયાં નહોતાં. ઘરમાં એ પતીપત્ની અને મારી જ ઉંમરનો એમનો પુત્ર અનવર એ ત્રણેય હીન્દીમાં વાતચીત કરવા ટેવાયેલાં. હું દાખલ થયો ત્યારે ૧૧ વરસનો ને સાવ દુબળો. મારા બનેવી ત્યાં સંસ્થામાં નોકરી કરે એટલે હું ત્યાં દાખલ થયેલો. મારી માતા મને પાંચ વર્ષનો મુકીને અવસાન પામેલાં તે વાતની ખબર હોઈ મદીનાબહેન મને હેત આપતાં. અનવર સાથે બહુ દોસ્તી રહેતી. શાપુરમાં તો નવલીકા–નવલકથાઓના કબાટો ભર્યા હતા. કવીતા હજી પાસે ફરકી નહોતી.

પણ ગુણવંતરાય આચાર્ય, ઈશ્વર પેટલીકર, ર.વ. દેસાઈ, પીતાંબર પટેલ ઉપરાંત ક.મા.મુનશી, પન્નાલાલ વગેરે ધીમે ધીમે પણ મક્કમતાથી મારામાં પ્રવેશીને હળુ હળુ ધુણાવવા માંડ્યા હતા. હજી દર્શકને વાંચવા–સમજવાની તાકાત આવી નહોતી.

 

પરંતુ આ લોકશાળામાં સૌથી મોટી અસર કરનારા વાચનમાં હતી ટારઝનની વાર્તાઓ. એના બધ્ધા જ બધ્ધા ભાગોનું બબ્બે વાર વાચન કરેલું !! એની સાથે સાથે જ મુળશંકરભાઈ મો. ભટ્ટ દ્વારા અનુદીત પુસ્તકોએ પણ ઘેલું લગાડી દીધું હતું. એમની અનુદીત નવલ લામીઝરેબલે તો હલબલાવી મુકેલો. બાકી હતું તે થીયેટરમાં બેસીને જોઈ તે પણ કુન્દન (લામીઝરેબલ પરથી તૈયાર થયેલી, ને ભુલતો ન હોઉં તો સોહરસબ મોદીના મુખ્ય પાત્ર દ્વારા ભજવાયેલી) મારા જીવનની સૌથી પ્રથમ ફીલ્મ હતી !!

 

પ્રાથમીકશાળામાં વાર્તાની પુસ્તીકાઓ દ્વારા ગીજુભાઈ–નાનાભાઈનો અને માધ્યમીકશાળામાં અનુવાદો દ્વારા મૂળશંકરભાઈનો પરીચય થયો કહી શકાય પણ શાપુરમાં જ મારા એક સહાધ્યાયી પંકજ ભટ્ટ દ્વારા લોકભારતીની વાતો સાંભળવા મળેલી. નાનાભાઈ, ‘ભાઈ’, બુચભાઈ, મનુભાઈ વગેરેની વાતો સાંભળીને મને તો ઉડીને લોકભારતીના ખોળે જવા મન થયા કરેલું. નાનાભાઈ તો પુરા સમજાયાય નહોતા, તોય થાય કે હમણાં જાઉં ને હમણાં જ ભણવા લાગુ, એમની કને !!

 

મેટ્રીકમાં અમે આવ્યા ૧૯૫૯–૬૦માં ત્યારે શાપુર લાઈબ્રેરીમાં ઢગલાબંધ પુસ્તકો ખરીદાયેલાં !! નવલકથા–વાર્તાઓ ઉપરાંત આકર્ષક પુંઠાથી લોભાવતાં કાવ્યસંગ્રહોએ સૌ પહેલીવાર મને ખેંચેલો. પણ….

 

પણ, એ વર્ષે મેટ્રીકમાં આવેલા કોઈ પણ વીદ્યાર્થીને પુસ્તકો ઈસ્યુ જ કરવાની મનાઈ હતી !!! એ બધાના વાચન માટે લાળ ટપકાવતાં ટપકાવતાં મેટ્રીકનું માટલું ફોડ્યું તો ખરું, પણ પુસ્તકોમાં મન ભરાઈ રહ્યું. એ મનને ધરવ થયો લોકભારતીની અતીવીશાળ લાઈબ્રેરીથી…

 

૧૯૬૨માં મોડો મોડોય દાખલ તો થયો પણ છેક ત્યાં ગયા પછી જ જાણ્યું કે નાનાભાઈ તો બેચાર મહીના પહેલાં જ અવસાન પામ્યા હતા……!

મારા પ્રાતઃસ્મરણીય શીક્ષકોને આ પાનું સાદર અર્પણ કરું છું.

પ્રાથમીક શાળામાં એક હતા શ્રી કાંતિભાઈ અને બીજા ‘નાના સાહેબ’ –

છઠ્ઠા ધોરણથી લોકશાળા (શાપુર સર્વોદય આશ્રમ)માં શીક્ષણ મેળવવાનો અલભ્ય લાભ મળ્યો. ત્યાંથી જ  જીવનશીક્ષણનો આરંભ થયો.

અહીં મળ્યાં –

ઈસ્માઈલદાદા નાગોરી, અકબરભાઈ નાગોરી, મદીનાબહેન નાગોરી, યોગેન્દ્રભાઈ પરીખ. હેમેન્દ્રભાઈ ભટ્ટ, નવીનભાઈ ભટ્ટ , મસ્તાનભાઈ મેઘાણી,

લોકભારતી સણોસરામાં તો આમુલ પરીવર્તન આપનારું શીક્ષણ મળ્યું.

અહીં શીક્ષકો કે અધ્યાપકો નહીં, સાક્ષાત્ ગુરુ–દેવો પ્રાપ્ત થયા ! ભારતભરમાં શીક્ષણક્ષેત્રે ખ્યાત –

સર્વ શ્રી નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ ભટ્ટ, ન.પ્ર.બુચ, મનુભાઈ પંચોળી (દર્શક), રતિભાઈ અંધારિયા, ઈસ્માઈલ દાદા, રતિભાઈ પંડ્યા

પછી પારંગત (એમ.એ.)માં તો ગુજરાત વીદ્યાપીઠમાં ભાષા–સાહીત્યના શીક્ષણનું આકંઠ પાન થયું ! અહીં અધ્યાપકો હતા –

સર્વ શ્રી કનુભાઈ જાની, શાંતિભાઈ આચાર્ય, મોહનભાઈ પટેલ.

તો જન્મસમયથી માંડીને જીવનનાં ડગ જેમણે ભરાવ્યાં તેઓમાં –

ધાર્મીક સંસ્કારો ધરબી દેનારી ભક્તીમુર્તી માતા;

અધ્યાત્મને આંગણે તો નહીં, પણ એના પગથીયે લઈ જનાર જ્ઞાનમાર્ગી પીતાશ્રી

ને

મહાત્મા ગાંધી અંગેની આંશીક પણ દૃઢ શ્રધ્ધા પોતાના જીવન દ્વારા ઉભી કરાવનાર ફૈબાના દીકરા ને ગોહીલવાડના ગાંધી કહેવાયેલા ઉજળવાવના વનમાળીભાઈ વ્યાસ.

જીવનપથ ઉજાળી દેનારા આટઆટલા જીવનશીક્ષકો એ મારું અહોભાગ્ય, મહાભાગ્ય છે. એમની પાસેથી કેટલું લઈ શકાયું એ તો ક્યારેક ક્યારેક આંખ મીંચીને બેઠે અનુભવવા મળે છે. એમના શીક્ષણને લગરીક પણ ડાઘ પડવા ન દેવાની ખેવના એ જ ધ્યેય આજ સુધી તો રહ્યું છે; એમાં નીશાનચુક થવા નથી દીધી, ભલે નીશાન બહુ ઉંચું ન રહ્યું હોય.